મુદ્દા :
- પ્રસ્તાવના
– શરીરની સ્વચ્છતા
– ઘર અને મહોલ્લાની સ્વચ્છતા અંગેના પ્રયત્નો – ગામડાં અને શહેરોની સ્થિતિ
– ગાંધીજીના સ્વચ્છતા અંગેના પ્રયત્નો
– સ્વચ્છતાની જવાબદારી
– વિદેશોમાં સ્વચ્છતા
– ઉપસંહાર.
આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્ત્વ છે . જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા . જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા , જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા , જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી . આ સૂત્રો આપણે જીવનમાં વણી લેવાં જોઈએ . ગાંધીજીએ તો આગળ વધીને ‘ સ્વચ્છતા ત્યાં પ્રભુતા ' એવું સૂત્ર આપ્યું .
શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા ખૂબ જરૂરી છે . સ્વચ્છ શરીર અને સ્વચ્છ કપડાં આપણા મનને સ્વસ્થ રાખે છે . આથી આપણું શરીર તાજગી અનુભવે છે અને આપણા ઉત્સાહમાં વધારો થાય છે .
જાહેર આરોગ્ય માટે ઘર અને મહોલ્લાની નિયમિત સફાઈ થવી જરૂરી છે . આપણે આપણા ઘરનાં બારીબારણાં , ભોંયતળિયું , છત , દીવાલો વગેરેની નિયમિત સફાઈ કરવી જોઈએ . ઘર સુંદર હોય અને તેમાં સુંદર રાચરચીલું વસાવેલું હોય પરંતુ તેને સ્વચ્છ રાખવામાં આવતું ન હોય તો તે સુંદર લાગતું નથી . ઘરની આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ રાખવો જોઈએ . ક્યાંય ગંદકી કે કચરાના ઢગલા ન થવા દેવા જોઈએ . કચરાના ઢગલામાંથી દુર્ગધ પ્રસરે છે અને જેતુઓ ઉત્પન્ન થાય છે . તેનાથી રોગચાળો ફેલાય છે . બધે કચરાપેટીઓની સગવડ કરી તેમાં જ કચરો નાખવો જોઈએ.
ગાંધીજીએ સફાઈને ખૂબ મહત્ત્વ આપ્યું હતું . તેમણે આશ્રમવાસીઓને સ્વચ્છતાના પાઠ શીખવ્યા હતા . આથી આશ્રમવાસીઓ રોજ સવારે સમૂહમાં સફાઈકામ કરતા . એમની સાથે ગાંધીજી પણ સફાઈકામમાં જોડાતા. શ્રમશિબિરો અને સામૂહિક સફાઈ એ આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો મહાન યજ્ઞ છે . એ યજ્ઞકાર્યમાં સહુ જોડાય એ મહત્ત્વનું છે.
સ્વચ્છતા જાળવવાની જવાબદારી ગામડાંમાં પંચાયતોની અને શહેરોમાં સુધરાઈની હોય છે . તેઓ પોતાની જવાબદારી નિભાવે પણ છે . અનેક કર્મચારીઓ અને સફાઈ કામદારો સફાઈ જાળવવાના કામે લાગે છે . સફાઈની આ પ્રવૃત્તિમાં લોકોનો સાથસહકાર પણ એટલો જ જરૂરી છે . લોકો જાગ્રત હોય તો જ સ્વચ્છતા જાળવી શકાય .
અમેરિકામાં એક વાર ફળના કરડિયામાંથી એક માખી મળી આવી ત્યારે એ સમાચાર ટીવી પર પ્રસારિત થયા હતા . આ બનાવ અંગે ઊંડી તપાસ પણ કરવામાં આવી હતી . સ્વચ્છતા અને આરોગ્ય વિશે આવી જાગૃતિ હોય ત્યાં જ સ્વાથ્યની યોગ્ય જાળવણી થઈ શકે .
આપણી સરકાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે . આવા કાર્યક્રમોની લોકો પર સારી અસર થાય છે , સાથે સાથે સ્વચ્છતા જાળવવા અંગેના નિયમો ઘડીને સરકારે તેનો સખતાઈથી અમલ પણ કરાવવો જોઈએ . સફાઈ ઝુંબેશ દ્વારા તેમજ ઠેર ઠેર સ્વચ્છતા વિશે સુંદર સૂત્રો લખાવીને પણ લોકજાગૃતિનું કામ કરી શકાય છે .
ટિપ્પણી પોસ્ટ કરો